Saturday, November 27, 2010

ચીંધે રાહ જે પત્નીઓ એ દિશા સારી નથી હોતી

બેફામ સાહેબની ખુબ જાણીતી ગઝલની પેરોડી
બેફામ સાહેબની જાહેર ક્ષમાયાચના સાથે....


ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી એ કે ભૂલી જાવ બર્થ ડે તો પકડે કોલર,
ને યાદ રાખો ત્યારે, તબિયત સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે ચા કરજો,
ઘણાંય એવાંય છે જેની ચા સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જવાય છે,
ચીંધે રાહ જે પત્નીઓ એ દિશા સારી નથી હોતી.

કુંવારોઓ છો ભરે બેચાર વધુ દમ આઝાદીના,
પરણેલાઓના ઘરની આબોહવા સારી નથી હોતી.

સહે છે પત્નીના બોજા સાથે કામકાજનો બોજો,
કરે પત્નીઓ પતિની એ દશા સારી નથી હોતી.

કબરમાં પોઢશો તો ત્યાંથીય પત્ની ઊભા કરશે,
અહીં ‘અધીર’ કોઇ પણ જગા સારી નથી હોતી.

Tuesday, October 12, 2010

મોબાઈલનો હનેડો

નોકિયા મને ફાવે નહી..... ને સેમસંગમોં નોં હમ્ભળાય...
એલા આયફોનને અડ્વા જાઉં તો....
જ્યોંત્યોં ફોન લાગી જોય લાલ હનેડો....

હનેડો હનેડો....મોબાયલ નો હનેડો...

હે એ એ
મોંડ મોંડ ઇનો નમ્બર મલ્યો ને......મોંડ મોંડ એ મેરવ્યો...
ને જ્યોં વાતચીત કરૂ બે ધડી......ત્યોં.....
બેલેંસ ખુટી જોય લાલ હનેડૉ...

હનેડો હનેડો....મોબાઈલનો હનેડો...


હે એ એ
સ્કૂટર પર હું ટોકતો રહુ ને.......
ને કારમાંય નોં ઘભરાઉ....ને ત્યોં...
ચાર રસ્તા પર ઠોલજી*....
પચ્ચાની પાકી દૈ જાય લાલ હનેડો!


હનેડો હનેડો.... અધીરીયાનો હનેડો...

હે એ એ
એલા ...હાલતા હાલતા નોં વાતું કરો...
એ તો,,, એલા બચ્ચન ને જ પોહાય
અમદાવાદમાં જો કોશિશ કરો....કોઇ નુ...
એકટીવા ઠોકી જાય લાલ હનેડો

હનેડો હનેડો.... અધીરીયાનો હનેડો...

(*ઠોલજી : અમદાવાદમાં પોલીસને પ્રેમથી ઠોલા કહે છે. )

તારા વિના .... (હરબો)

તારા વિના રામા* મને અગવડું લાગે
ઠામ ઉટકવાને વેલો આવજે (2)

હો એંઠી તપેલી છે દાળની ..હો ..હો
એંઠી છે તાંસળી પેલી ભાતની
તુ ન આવે તો રામા
ઠામ ઉટ્કે ન રામા
ઠામ ઉટકવાને વેલો આવ આવ આવ
તારા વિના રામા, અગવડું લાગે (2)

તડકે સુકાતી થાળીઓ...હો ..હો
સુની છે ચોકડીની ટાઇલ્સો
હે સુની સુની ચોકડીમા
રસોડાની ઓસરીમાં
ઠામ ઉટકવાને વેલો આવ આવ આવ

તારા વિના રામા, અગવડું લાગે (2)
કપડા પડયા છે પલંગમાં...હો.. હો
ડાઘા પડયા છે જેમા રંગના

મોબાઇલનો સાદ સુણી
મારો આર્તનાદ સુણી
ઠામ ઉટકવાને વેલો આવ આવ આવ
તારા વિના રામા, અગવડું લાગે (2)


તારા વિના રામા, મને અગવડું લાગે
ઠામ ઉટકવાને વેલો આવ આવ આવ


*રામો= ઘરઘાટી


ખાસ નોંધ :

૧) આ હરબો પુરુષ ગાય છે કે સ્ત્રી તેવા હલકા પ્રશ્ન કરવા નહિ !
૨) આ હરબો ભારત વર્ષ માટે જ લખાયેલ છે, વિદેશમાં વસતા ભારતીયોએ રામાના સ્વપ્ના જોવા નહિ.
૩) હરબા શબ્દની પેટન્ટ અધીર અમદાવાદીની છે, તો કોઈએ આ અંગે ખોટા દાવા કરવા નહિ.
૪) ગરબામાં નવા નવા પ્રયોગોથી કંટાળેલા લોકોને અધીર અમદાવાદીના હરબામાં જોડાવવા હાર્દિક આમંત્રણ છે.

હાલો કિચનમાં જઈએ ..... (હરબો)

(રાગ: ચપટી ભરી ચોખા ....)

પેકેટભરી મેગીને થોડુ લો પાણી.....
તપેલી જોડે લઇને રે,
હાલો, હાલો કીચનમાં જઇએ રે....

કીચન પ્લેટફોર્મ પર વંદા બહુ આવે (૨)
વંદાઓ આવે ને ભાગદોડ ફેલાવે (૨)
ભાગંભાગ ના કરી ને રે હાલો, હાલો કીચનમાં જઇએ રે....

કીચન પ્લેટફોર્મ પર ગરોળી આવે (૨)
ગરોળી આવે ને બીક લગાડે (૨)
ગરોળીથી ના ડરીને રે, હાલો, હાલો કીચનમાં જઇએ રે....

કીચન પ્લેટફોર્મ પર મંકોડા આવે (૨)
મંકોડા આવે ને ખાંડ ખૈ જાયે (૨)
ડબ્બાને બંધ કરવા રે.હાલો, હાલો કીચનમા જઇએ રે....

કીચન પ્લેટફોર્મ પર આળસ બહુ આવે (૨)
આળસ બહુ આવેને મેગી બગાડે (૨)
ધણીને એ ખવડાવીએ રે હાલો, હાલો કીચનમા જઇએ રે....

પેકેટભરી મેગીને થોડુ લો પાણી.....
તપેલી જોડે લઇને રે,
હાલો, હાલો કીચનમા જઇએ રે.... 

Monday, August 30, 2010

ચાહના

કારણો જેને કહે છે એ તો બહાના છે
દૂર રહે છે જાણીને, છતાં ચાહના છે
મળવું તો છે પણ કહે છે મળવું નથી
બારણાં બંધ છે ભલે, પણ કાચના છે

Saturday, August 21, 2010

હવાઇ ગયો છું !

સોનેરી તડકો હમણાં જ તો ગજવામાં ભર્યો,
તમે ઉડી ગયા ને ઘડીમાં હવાઇ ગયો છું !

ગાયના મોઢામાં ગયેલ છાપું હતો કે પછી
રાહુલ-ડિમ્પીની ખબર,મુદ્દે ચવાઇ ગયો છું !

બાગેશ્વરી,બસંત કે બિહાગ,એમાંનો નથી
હું જે છુ તે, હિમેશના નાકે ગવાઇ ગયો છું.

તારા શહેરના બેવકુફો વચ્ચે રહી ખરુ કહુ,
કાટ લાગ્યો ભેજા પર, ને કટાઇ ગયો છું !

હાઇડ્રોજન અને સ્ટુપીડીટીની જેમ હુ પણ
ચારેકોર, બધે ને સર્વત્ર છવાઇ ગયો છું !

કોમનવેલ્થ,સડકો કે પછી હો ભુવામાં,
હું દેશનો પૈસો છુ,અને ખવાઇ ગયો છું !

ડનલોપી સપના....

જેલમાં હવે નેતા સુવે છે
ડનલોપી સપના જુવે છે !

ગાંધીનગરમાં લેમ્પપોસ્ટ પર
જો તો, કુતરા સુસુ કરે છે !

યુનીવર્સીટીના ઉકરડામાં
ગાયો માર્કશીટો ચાવે છે !

પ્રેમપત્ર પુરો થઇ જતા,
GMail ખુદ સેન્ડ કરે છે !

તારા શહેરની જેલ કેવી ?
ગૃહમંત્રી ખુદ સિધાવે છે !


(શ્રી આદમ ટંકારવીની રચના પર આધારિત)

ખણવા દે !

મનગમતું છે કાજ, ખણવા દે !
છે એમાં મોજે મોજ, ખણવા દે !

જાહેરમાંતો દબાવીને બેઠો તો
ખાનગીમાં તો હવે ખણવા દે !

જ્યાં ન પહોંચે કર, ત્યાં પહોંચે ખણ
કાંસકો લઇ પ્રેમથી ખણવા દે !

મને તું રોક ના, તને હું રોકું નહિ
તું તારે ખણ અને મને ખણવા દે !

એક હાથ તો એનો પકડ્યો 'અધીર'
બીજા હાથે એ કેમ ન ખણવા દે ?Sunday, August 08, 2010

શ્રદ્ધા ?

બીપ !
વોં વું વોં વું ...
ઠક ઠક ઠક ...
કોમ્પ્યુટર અને પ્રિન્ટર ઓન થયુ
કી-બોર્ડ પર પાસવર્ડ પણ એંટર કર્યો
ગૂગલ ટૉક પર કોક નવરુ
તુંગ
તુંગ
તુંગ
કરી સવાર સવારમાં
દિમાગના તાર
હલાવી રહ્યુ છે!
તર્ર્ર્ર્ર્ર્ર્ર્ન
લો કોઇ એ એસ.એમ.એસ પર
પ્રેરક સંદેશો પણ
મોક્લ્યો....
...અને સાત જણ ને ફોરવર્ડ કરવાની
તાકીદ પણ કરી કે નહીતર..........
ને થરથરતા તમે
અધીર,
એ મેસેજ સાત જણને ફોરવર્ડ કર્યો
તર્ર્ર્ર્ર્ર્ર્ર્ન
દસ રુપિયાના તાજા રીચાર્જમાંથી
સાડા ત્રણ કપાઇ ગયા ને...
ઢેન ટેણન !
બેડલક!!!!
ત્યાંજ પટાવાળો કહી ગયો
કેશ નથી એટલે આ
મહિને પણ પગાર નહી થાય !!!

Monday, June 07, 2010

પહેલા વરસાદ સામે વાંધા અરજી

પહેલો વરસાદ આવે ને પછી ગટરો ઉભરાય
ને પાછી ગાયો પણ રસ્તા વચ્ચે બેસી જાય.

દાળવડાનો પછી નીકળે કચ્ચરઘાણ, અને
પહેલા વરસાદમાં મકાઈની લારીઓ ઉભરાય

વરસાદ પહેલા આંધી આવે ને ઘરમાં ધૂળ ધૂળ
પછી સાંજે લાઈટ પર કેટલી જીવાત ઉભરાય !

ને પહેલા વરસાદની જીવાતની જેમજ ઠેરઠેર
કવિઓ ફૂટી નીકળે, ઓરકુટ ફેસબુક છલકાય.

સરકારી તંત્ર મોડું મોડું પછી કામે લાગી જાય,
મ્યુનીસીપાલીટીના રસ્તાઓમાં જ્યારે ભૂવાકાંડ સર્જાય.

'અધીર' પહેલા વરસાદ પછી બીજો આવશે ને ત્રીજો
તમે શાવરમાં જાવ, જોજો. નોકરી હાથથી ના જાય!

Sunday, March 21, 2010

IPL-3 ની જાહેરાતો...

સૌ કોઇ આવીને કશુંક ને કશુંક વેચી જાય છે,
’અધીર’થી પછી હાથમાં અજાણે ખણાઇ જાય છે!
*
ઇમરાન બસમાં ફરે ને ગરમ કોક પણ પીવે
એટલે છોકરી એને ગરમ ઇશારા કરી જાય છે!
*
ગરમીમાં ગરમ ‘અધીર’ અહી પરસેવો લુછે ને,
શાહરુખના ઘરમાં પડોશી ડોશી ઠંડી થાય છે!
*
શર્મનની ઇડિયસીની વાત કાઇક એવી જામી કે
એની અક્કલથી ભાઇ ને બાપા પરાસ્ત થાય છે!
*
ધન્ય છે ભારત દેશ કે જેને આવો વેઈટર મળ્યો,
રણબીરની હોશિયારી જોઇ આખો દેશ ઘડાય છે!
*
આમીરના ગામમાં સ્ટાઇલીશ છોરી હોઇ શકે
‘અધીર’ને ક્યાં કદી ગામડે એવી ભટકાય છે?
*
એક ચેપલની આંગળી મશહુર હતી ને, બીજી
સરજીની, વાત પણ ક્યાં કોઈને સમજાય છે?
*
અક્ષય ગેમ રમવા બધુ રમડ-ભમડ કરે તો ઠીક,
’અધીર’ એક ભુલ કરે તો નોકરી હાથથી જાય છે!
*
જાહેરાતોમાં મહિલાઓની ગેરહાજરીથી ઝોલે ચઢી,
’અધીર’, વિચારે કે, માત્ર ભાયડાઓ કેમ દેખાય છે?
*
ના, સાવ એવું નથી, ‘અધીર’, ક ક કેટરીના આવી
અને કેરીનાં નામે ‘આ'મસુત્ર શીખવાડી જાય છે!

Saturday, February 06, 2010

લખુ ઝાકળથી પત્ર..

લખુ ઝાકળથી પત્ર અને તમે તડકામાં ખોલો તો?
વાત હું મૌનની કરતો હોઉને તમે વચમાં બોલો તો?

ખેતરના શેઢે,કુદરતના ખોળે,આપણે બેઉ બેઠા હોઇએ
પ્રેમની હું વાતો કરું ને તમે, તુવેરની સીગો ફોલો તો?

ઝરમર વરસાદમાં જતા હો તમે બાઇક પર રમરમાટ
પાછળ બેઠી હોય કોઈ રમણી, ને જો પકડે ઠોલો તો?

સંબંધના પહેલા શ્રાવણમાં એક્મેક્ને ભીંજવવા નીકળ્યા
આપણે બેઉ, ને તમે હળવેક્થી રેઇનકોટ ખોલો તો?

નાજુક કર તમારા પ્રેમથી ફરતા હોય 'અધીર'ના કેશમાં
ને અચાનક એમ ખબર પડે, કે આ તો છે સાવ ટોલો તો?


[ઠોલો – ટ્રાફિક પોલિસ માટે વપરાતો અમદાવાદી શબ્દ]
[મુળ રચનાના કવિયિત્રી – ‘લજામણી']

Friday, February 05, 2010

તો વરસોના વરસ લાગે

શબ્દોને શોધવા બેસું તો વરસોના વરસ લાગે
મૌલિક લખવા બેસુ તો વરસોના વરસ લાગે

લગન કર્યા કે ટપોટપ અને આપોઆપ ખરી ગયા
વાળ આ,ઉગાડવા બેસું તો વરસોના વરસ લાગે!

મારા સદભાગ્ય કે ‘લીફટ’ મળી ગઇ તારે ઘેર જાવા
બસની રાહ, જોવા બેસુ તો વરસોના વરસ લાગે!

લાંચ આપી ને પતાવી દીધું સરકારી કામ ફટાફટ
કાયદેસરનું, કરવા બેસું તો વરસોના વરસ લાગે!

તોડીને વધુ એક ગાંઠ મારી દીધી સંબંધોની દોરીમાં
ગુંચ જો આ, ઉકેલવા બેસું તો વરસોના વરસ લાગે!

[સ્વ. શ્રી મનોજ ખંડેરિયાની ‘તો વરસોના વરસ લાગે...’ ગઝલ પર આધારિત]

સંભાળજે સજનવા...

મોંઘવારીએ પડાવી દીધી છે રાડ સજનવા!
હવેથી કવરના બદલે લખજે પોસ્ટ કાર્ડ સજનવા!

કલાકો, દિવસો અને અઠવાડિયા સજનવા!
તારી પાછળ ભમુ છું વાડજથી ખાડિયા સજનવા!

પાછલા આઘાતોની વળી છે કળ માંડ સજનવા!
હવે નવી કોઇ મોંકાણ ન તું માંડ સજનવા!

સંતરાના કેસરી ફોરાંઓ પડતા હો સજનવા!
ને આપણે, બેઉ હાથે, પીતાં હો સજનવા!

વિસ્મયી વાદળ ઉડાડે ઘેનનાં ગોટા સજનવા!
એનાથી તો સારા ટિયરગેસના ટોટા સજનવા!

આપનું વર્ણન કરવા જાઉ હું સાચું સજનવા!
એના કરતા દર્પણમાં જોઇ લો ડાચું સજનવા!

પુર્વમાં રહે છે માસી, અને દક્ષિણમાં ફાધર સજનવા!
મળવું હોય તો મળ આ દિશાચક્રોની બાહર સજનવા!

આંખ ખુલ્લેઆમ તમને સોંસરુ જોતી સજનવા!
હવે ફરીથી તું પહેરીશ ના આ ધોતી સજનવા!

ક્યાં ઉતરવુ ક્યાં જવું ક્યાં નાખવા ધામા સજનવા!
આપણને જોઇ ગયા છે તારા સગ્ગા મામા સજનવા!

આંખને ઘેરી વળે છે ઘેઘુર અંધાપો સજનવા!
લાંબો હાથ કરીને જરા ચશ્મા આપો સજનવા!

ચન્દ્રને ચોથે ખુણે બંધાયા ચંદરવા સજનવા!
મારે લેવી પડશે ભુગોળની દવા સજનવા!

મેં મુક્યુ મસ્તક તમારા સુર્ખ ખોળામાં સજનવા !
લોકો કે’ છે કે પડી ધુળ ધોળામાં સજનવા!

હાથ અડતા નીતર્યુ જળ થઇ જશે ડહોળુ સજનવા!
ને પછે એમનું એમ રહી જશે ડાચું પહોળુ સજનવા!

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સજનવા!
અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળથી વીસ સજનવા!

બૂમ પાડીને તેં બોલાવ્યો ને હું આવ્યો સજનવા !
એટલામાં ભડકી આખા ગામની ગાયો સજનવા!

ખાતી નહીં કસમો કે કાળ બહુ આ વસમો છે સજનવા!
મને પણ ખબર છે કે નંબર મારો દસમો છે સજનવા!

[ડૉ. મુકુલ ચોકસીની અદભુત નઝમ પરથી પ્રભાવિત થઇને આ રચના બની છે. જેઁમણે મુકુલભાઇની આ રચના (હવે થી પત્રોના બદલે નક્ષત્રો લખજે સજનવા...) ન વાંચી હોય તેમને મારી આગ્રહ ભરી વિનંતી કે મુળ રચના જરૂર વાંચે.]

Thursday, January 21, 2010

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....

ત્રિકોણના ચોથા ખુણે બેસીને તને ચાહી હતી.
તારી કંકોત્રીમાં તોયે કેમ લીલીછમ શાહી હતી?

નવી જ અસમંજસમાં ભીંત ફફડી ઉઠી એકાએક
આંગળીને અંગુઠા વચ્ચે કોઇએ બીડી ફસાવી હતી!

તેતરને કબૂતર આરામથી ચણી રહ્યા હતા, મકબરો
હવામાન ખાતાની તો સાવ કોરી આગાહી હતી!

મારી ટાઇટેનિક સમી છાતી ચીરીને જોઇ લે જરા
હોકાયંત્રમાં ક્યાં કોઇએ લખેલી તબાહી હતી ?

ગર્ભિત ઇશારો કરીને આખરી કૂમ્પળ ખરી પડી
વાડને કિનારે કોઇ કુંવારી છોકરી નાહી હતી .

એના ટેરવાના સ્પર્શથી પથ્થર પતંગિયુ બને છે
આ વાત પહેલા પાના પર કોણે છપાવી હતી?

‘અધીર’ ગઝલમાં એટલી ઉંચી વાત કરી ગયા કે
બુરજે ખલીફા પરથી કોઇ શેખે છલાંગ લગાવી હતી.

Saturday, January 16, 2010

લાગણી નામે

સજાવટ એવી કે અકબંધ દેખાય
હોય ત્રુટક-ત્રુટક ને સળંગ દેખાય
ભીતર જઇ જુઓ મેઘધનુષ્યની
તો ફ્કત એક જ રંગ દેખાય!
**
બહારથી રૂપાળા સમ્બન્ધ દેખાય
ને ચહેરા પર પણ ઉમંગ દેખાય.
ચરૂ ખોલીને જુઓ નજીક્થી તો,
લાગણીના નામે ભુજંગ દેખાય!
**
રાજા પણ જ્યાંથી રંક દેખાય
ચાંદમાં પણ પછી કલંક દેખાય
એ હદમાં દાખલ ન થઇશ 'અધીર'
જ્યાંથી એનું ઘર બંધ દેખાય !

નકશા- એક મુકતક

ચાંદનીથી પ્રિય એ તડકાઓ શોધુ છું.
વંટોળે મિટાવ્યા એ પગલાઓ શોધુ છું.
નવું છે એમાં સ્થાન મારૂં જડતું નથી,
તકદીરના જુના એ નકશાઓ શોધું છું.