Thursday, December 08, 2011

શિયાળાનું જોડકણું

પડ રે ઠંડી
ફગાવો ગંજી બંડી
તાજું તાજું ઊંધિયુંને
ગાજરનો હલવો ખા !

Friday, December 02, 2011

અર્પણ ...

પહેલા એકવીસ લાખ કુંપળો
અને હવે અર્પણ કરું છું તને
સૂર્યનું બીજું કિરણ .....
...
...
...
મને ખાતરી જ છે કે તું પૂછીશ,
કે બીજું કેમ અને પહેલું કેમ નહિ ?
યાર, એકવીસ લાખ કુંપળો આપી
ત્યારે તો ફટ્ટ કરતી લઇ લીધી'તી.
તે વખતે પૂછવું'તુ ને
કે આટલી બધી તે હોતી હશે ?
યાર તારી કચકચ બહુ !

તને એ ગમશે ?

હું નેવાધારે પડતો હોઉં,
તું ઝરમર ઝરમર વરસે.
તું ભીની ભીની ઉભી હો,
ને હું, સાવ કોરોકટ.
તને એ ગમશે ?

તાપ

તારા ઊના શ્વાસોનો તાપ
તો આયનાઓ કદાચ જીરવી જશે,
પણ તારી હાજરીનો
હુંફાળો બાફ આયનાને
આંધળો કરશે તો
એ આયનાઓ કેમ જીરવશે ?

Friday, August 05, 2011

ના હોય...

જિંદગીની સિરીયલમાં બ્રેક ના હોય.
મોતનાં લાસ્ટ સીનમાં રિટેક ના હોય.

ગુજરાતી ને ઘોડા વચ્ચે ફેર તું સમજ,
અમારામાં બુદ્ધિ હોય સિક્સ પેક ના હોય.

ખાવા હોય તો ખા, આ લાડવા પડ્યા છે
છૂટાછેડાની એનિવર્સરી પર કેક ના હોય.

પીઠનાં દુખાવાના તું બીજા ઈલાજ શોધ,
પ્રેમની ઉષ્માનાં આમ કંઈ શેક ના હોય.

આપવું હોય તો રોકડું આપ અત્યારે જ
ચુંબનના કાઈ પોસ્ટ ડેટેડ ચેક ના હોય.

એક જ ચોપડામાં બધાં હિસાબો રાખે છે,
ચિત્રગુપ્તને ત્યાં વ્હાઈટને બ્લેક ના હોય

ચોરેલું દિલ તમારું એણે પાછુ સોંપ્યું
બધા બંદા ‘અધીર’ જેટલા નેક ના હોય.

~ અધીર અમદાવાદી

અડે છે ...

આખર તારીખોમાં સદા કડકી નડે છે,
અને પહેલી તારીખે ઉધારિયા નડે છે.

ભાઈ છોકરા છૂટાં પડે કુંભના મેળામાં,
પણ પતિ-પત્ની કદી ત્યાં છૂટા પડે છે?

ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગતો નથી,
ને અનાજ સરકારી ગોદામોમાં સડે છે.

વાંસળી, ગિટાર ને ઢોલ પણ બજે છે,
છોકરીને અડેલી હવા છોકરાને અડે છે.

પછી એની યાદોનું આખું ઝાડ ઉગે છે,
જુના પટારામાંથી ખાસ કાગળ જડે છે.

એ બોચિયાને તો ફેઈલ કરવો જોઈએ,
પેપર સારું જાય તોયે જે ખોટું રડે છે.

ભાઈ કીધો ને કંકોત્રી આપી એમણે ,
‘અધીર’ પડે છે ત્યારે સઘળું પડે છે !

Thursday, April 28, 2011

ખુબ ચચરે છે...

એ વાત પર ખુદ કુવો અચરજ કરે છે
ખારા પાણીથી પણ કોક ડબલું ભરે છે

મોંઘી કારને કોઈ સ્કુટી અથાડી જાય
પછી સુરતીના મ્હોમાંથી સુરતી સરે છે.

દુશ્મન કરે તો કમ અસર થાય એની,
દોસ્ત જો દગો કરે તો ખુબ ચચરે છે.

પ્લાસ્ટિકનાં ઝાડને પણ પાનખર હોય?
ચાઈનાનું હશે એટલે જ પાન ખરે છે.

‘શું વાત કહી’ પછી પ્રશ્નાર્થ મૂકી દીધો
આ તું દાદ આપે છે કે કચરો કરે છે ?

નેતાની ભાગીદારીમાં ધંધો કરી જાણ્યું
ટકાવારી ટેક્સને કેટલો ઓછો કરે છે !

હપ્તો ખાધો હશે, નહીતર કેમ બને ?
અમદાવાદમાં કૂતરું સસલાથી ડરે છે.

‘અધીર’ની ગઝલ તમારી વોલ પર,
તમે ગમો છો એને, તો ટેગ કરે છે !

http://www.divyabhaskar.co.in/article/GUJ-adhir-amdavadi-ghazal-2056727.html
(દિવ્ય ભાસ્કરની વેબ એડીશનમાં)

Monday, April 11, 2011

ના કર

મારા ઘડેલા પ્લાનને રમડભમડ ના કર
ઉપગ્રહની જેમ આસપાસ ભ્રમણ ના કર.

હળવા નાસ્તાને તું હળવો રાખે તો સારું
સવાર સવારમાં લાડવાનું જમણ ના કર.

એક હાથમાં કપ ને એક હાથમાં રકાબી
ટોવેલ પહેર્યો હોય ત્યારે આક્રમણ ના કર.

ઝખમ સુકાશે પછી આવશે ગુલાબી રૂઝ
નવરા બેઠા નાહક એને ખણખણ ના કર.

દેશની પત્તર ખંડાઈ છે આ જાતિવાદમાં
ફેસબુક પર તો વાણિયા બામણ ના કર.

દેખાય છે મને ચાંદ, એ પણ નરી આંખે
વચ્ચે આવીઆવીને આમ ગ્રહણ ના કર.

‘અધીર’તું હળવી વાતો કરે તો ગમે છે
આત્મકથા કહી ભારે વાતાવરણ ના કર.

Tuesday, April 05, 2011

ઉપરથી દબાણ છે ....

કૃષ્ણને પણ એની ક્યાં કઈ જાણ છે
પાર્થ કીધા વગર જ ચઢાવે બાણ છે

એસએમએસથી ઇન બોક્સ છલકાયું
નક્કી મિત્રને આજે પૈસાની તાણ છે.

ગૌરવ પથ પર ગાયો ફરે ગૌરવથી
આ શહેર શહેર નહિ, મોટી ગમાણ છે

અમે લોન માટે ઠેરઠેર ભટકતા રહ્યા
ત્યારે જાણ્યું સાસરૂ સોનાની ખાણ છે

ચાખી જોયા પછી એ ધીમેથી બોલ્યા
સારું થયું પગ ન પડ્યો, આ તો છાણ છે

કશુંય લીધા વગર જવા દેવી પડશે
ફાઈલ પાસ કરવા ઉપરથી દબાણ છે

'અધીર’ શ્વાસ રોકીને ચઢી જા આજે,
લીફ્ટ બંધને આઠ માળનાં ચઢાણ છે.

Monday, March 21, 2011

લખી નાખી ગઝલ

હોઠનાં લોહીલુહાણ થવા ઉપર લખી નાખી ગઝલ,
પછી એઈડ્ઝની શક્યતા ઉપર લખી નાખી ગઝલ.

એક સાથે એક રાતમાં બબ્બે ઘટનાઓ ઘટી સરસ
આભે ને ધાબે જોયા મુન સુપર,લખી નાખી ગઝલ

ભાંગની અસર કે પછી હોય વિચાર વાયુનો પ્રકોપ
રાખીનાં રૂપ, રાનીના અવાજ પર લખી નાખી ગઝલ

વિચારો કે નવરા કવિને ક્યાંક્યાંથી મળે છે ગઝલ?
જોયા ભૂંડ,કીડી,કાગડો,કબુતર લખી નાખી ગઝલ

એકલો બેઠો હતો,માણસ,ફૂટપાથ પર છાપું પાથરીને
નીચે મર્સીડીઝ ને આકાશ ઉપર,લખી નાખી ગઝલ

કાગળનો લાવારિસ ડૂચો,ભીંતે ફરતી નાજુક ગરોળી
અધીર’ની જ્યાં પડી ગઈ નજર, લખી નાખી ગઝલ

Friday, February 18, 2011

આદત

શું મજા કપાયેલા પતંગને કાપવાની ?
કે હવાયેલા સુરસુરિયાઓ ચાંપવાની.

નહોતી ખબર કે એની સજા લગ્ન હશે,
હતી નિર્દોષ આદત અમને તાકવાની.

ફેલાવી કોણે વાત કે અમને ગેસ થયો ?
વાગી જે સિસોટી એ તો ટાયર ફાટવાની.

હો મુન્નીની બદનામી કે શીલાની જવાની
બંદાને મજા આવે છે, બન્નેમાં નાચવાની

કરોડો વાઈબ્રન્ટ પરીકથાઓ વાંચી નાખી,
મુખ્યમંત્રીએ હાકલ કરી જ્યાં વાંચવાની

મળે તો એમ મળ કે છૂટથી મળી શકાય
આ શું આવ્યા મળ્યા ને વાત ભાગવાની !

એકાંતમાં મળે છે એ વચ્ચે અંતર રાખી
મીઠાઈની આખી દુકાન, મનાઈ ચાખવાની

કેટલી થપ્પડો ને કેટલા સેન્ડલો ખાધા
તોયે ના ગઈ તારી આ આદત ઝાંખવાની

‘અધીર’ દેખાવ છો તમે, પણ મળતાં નથી
કેમ જતી નથી આદત તમારી ઝાંઝવાની.

Saturday, January 29, 2011

બકા

જેની પૂંઠે હોય પત્નીનો હાથ બકા
એની જ લાગી જાય છે વાટ બકા

સરકારી નોકરીમાં જોડાય પછી,
બુદ્ધિને લાગી જાય છે કાટ બકા.

સગ્ગો ભાઈ તારો પોલીસમાં હશે
એનો જ આ દેખાય છે ઠાઠ બકા.

પત્ની‘ને પ્રેયસીના નામમાં કદી
ઊંઘમાં પણ કરાય ન બફાટ બકા.

ના કહી'તી, તોયે તું નેતા થયો !
હવે તારું જ થૂંકેલું, તું ચાટ બકા.

Saturday, January 22, 2011

અધીરની ઋતુઓ

શિયાળે સૂપ ભલો,
ને ઉનાળે ભલી છાશ.
ચોમાસે સોડા ભલી,
મારી ચા બારેમાસ!

શિયાળે સાઈકલ ભલી,
ને ઉનાળે ભલી કાર.
ચોમાસે બીઆરટીએસ ભલી,
મારા ટાંગા બારેમાસ!

શિયાળે શીલા ભલી,
ને ઉનાળે ભલી મોહિની.
ચોમાસે ભલી બીજલી,
મારી મુન્ની બારેમાસ!

શિયાળે ઊંધિયું ભલું
ને ઉનાળે ભલો આઈસ્ક્રીમ.
ચોમાસે દાળવડા ભલાં,
મારો માવો બારેમાસ!

શિયાળે પ્રેયસી ભલી,
ને ઉનાળે ભલી પ્રિયતમા.
ચોમાસે ગર્લફ્રેન્ડ ભલી,
સાલી, પત્ની બારેમાસ!

Friday, January 21, 2011

બીજી અઘરી ગઝલ

ફાંસ કૂણાં વાંસની દિલમાં વાગે છે,
ધકધકમાં પછી સાત સુર લાગે છે.

વાયદા પ્રેમીઓનાં અડગ નથી હોતા,
શિલા પર લખે, નજરથી દુર રાખે છે

પતંગ બિનહવામાં એનો ચગતો’તો,
શ્વાસોની ધમણથી કોક હવા નાખે છે.

કાયદા દુનિયાનાં એનું શું બગાડી લે?
કાંટાઓ ફૂલોનેજ જ્યાં વકીલ રાખે છે.

વાયરો ભોંઠો પડી જાય એવા મેદાન,
કોણ આંસુ સીંચી લીલાછમ રાખે છે?

એક તો રોગનું ખરું નિદાન થતું નથી,
પાછું તબીબો ખોટી દવાઓ આપે છે.

એની યાદમાં જાગ્યા રાતભર ‘અધીર’
તો શું ? ઘુવડ પણ રાતભર જાગે છે !

બોસ, આ અમદાવાદ છે !

અહી પૂર્વમાં ખોખરા છે
ભોજનમા ઢોકળા છે
ને રસ્તા પર પોદળા છે
બૉસ, આ અમદાવાદ છે!

અહી મજ્જાની લાઈફ છે.
ફરવા માટે બાઈક છે.
ને ખિસ્સા ટાઈટ છે
એન્જોય, આ અમદાવાદ છે.

અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે
કાંકરિયામાં કાર્નિવલ છે
ને ઓફિસોમાં ગુલ્લીવલ છે
આવો આ અમદાવાદ છે.

અહીં ટ્રાફિક હેવી છે
દાદીઓ નેટ સેવી છે
ને બધાંને કાર લેવી છે
એવું આ અમદાવાદ છે.

અહીં કચરાની વાસ છે
કુતરા આસપાસ છે
ને ગાયોનો ત્રાસ છે
બચો, આ અમદાવાદ છે.

અહીં ચામાં કટીંગ છે
પરીક્ષામાં સેટીંગ છે
ને બુફેમાં વેઇટીંગ છે
ડ્યુડ,આ અમદાવાદ છે.