Posts

Showing posts from April, 2011

ખુબ ચચરે છે...

એ વાત પર ખુદ કુવો અચરજ કરે છે ખારા પાણીથી પણ કોક ડબલું ભરે છે મોંઘી કારને કોઈ સ્કુટી અથાડી જાય પછી સુરતીના મ્હોમાંથી સુરતી સરે છે. દુશ્મન કરે તો કમ અસર થાય એની, દોસ્ત જો દગો કરે તો ખુબ ચચરે છે. પ્લાસ્ટિકનાં ઝાડને પણ પાનખર હોય? ચાઈનાનું હશે એટલે જ પાન ખરે છે. ‘શું વાત કહી’ પછી પ્રશ્નાર્થ મૂકી દીધો આ તું દાદ આપે છે કે કચરો કરે છે ? નેતાની ભાગીદારીમાં ધંધો કરી જાણ્યું ટકાવારી ટેક્સને કેટલો ઓછો કરે છે ! હપ્તો ખાધો હશે, નહીતર કેમ બને ? અમદાવાદમાં કૂતરું સસલાથી ડરે છે. ‘અધીર’ની ગઝલ તમારી વોલ પર, તમે ગમો છો એને, તો ટેગ કરે છે ! http://www.divyabhaskar.co.in/article/GUJ-adhir-amdavadi-ghazal-2056727.html (દિવ્ય ભાસ્કરની વેબ એડીશનમાં)

ના કર

મારા ઘડેલા પ્લાનને રમડભમડ ના કર ઉપગ્રહની જેમ આસપાસ ભ્રમણ ના કર. હળવા નાસ્તાને તું હળવો રાખે તો સારું સવાર સવારમાં લાડવાનું જમણ ના કર. એક હાથમાં કપ ને એક હાથમાં રકાબી ટોવેલ પહેર્યો હોય ત્યારે આક્રમણ ના કર. ઝખમ સુકાશે પછી આવશે ગુલાબી રૂઝ નવરા બેઠા નાહક એને ખણખણ ના કર. દેશની પત્તર ખંડાઈ છે આ જાતિવાદમાં ફેસબુક પર તો વાણિયા બામણ ના કર. દેખાય છે મને ચાંદ, એ પણ નરી આંખે વચ્ચે આવીઆવીને આમ ગ્રહણ ના કર. ‘અધીર’તું હળવી વાતો કરે તો ગમે છે આત્મકથા કહી ભારે વાતાવરણ ના કર.

ઉપરથી દબાણ છે ....

કૃષ્ણને પણ એની ક્યાં કઈ જાણ છે પાર્થ કીધા વગર જ ચઢાવે બાણ છે એસએમએસથી ઇન બોક્સ છલકાયું નક્કી મિત્રને આજે પૈસાની તાણ છે. ગૌરવ પથ પર ગાયો ફરે ગૌરવથી આ શહેર શહેર નહિ, મોટી ગમાણ છે અમે લોન માટે ઠેરઠેર ભટકતા રહ્યા ત્યારે જાણ્યું સાસરૂ સોનાની ખાણ છે ચાખી જોયા પછી એ ધીમેથી બોલ્યા સારું થયું પગ ન પડ્યો, આ તો છાણ છે કશુંય લીધા વગર જવા દેવી પડશે ફાઈલ પાસ કરવા ઉપરથી દબાણ છે 'અધીર’ શ્વાસ રોકીને ચઢી જા આજે, લીફ્ટ બંધને આઠ માળનાં ચઢાણ છે.