Posts

Showing posts from August, 2011

ના હોય...

જિંદગીની સિરીયલમાં બ્રેક ના હોય. મોતનાં લાસ્ટ સીનમાં રિટેક ના હોય. ગુજરાતી ને ઘોડા વચ્ચે ફેર તું સમજ, અમારામાં બુદ્ધિ હોય સિક્સ પેક ના હોય. ખાવા હોય તો ખા, આ લાડવા પડ્યા છે છૂટાછેડાની એનિવર્સરી પર કેક ના હોય. પીઠનાં દુખાવાના તું બીજા ઈલાજ શોધ, પ્રેમની ઉષ્માનાં આમ કંઈ શેક ના હોય. આપવું હોય તો રોકડું આપ અત્યારે જ ચુંબનના કાઈ પોસ્ટ ડેટેડ ચેક ના હોય. એક જ ચોપડામાં બધાં હિસાબો રાખે છે, ચિત્રગુપ્તને ત્યાં વ્હાઈટને બ્લેક ના હોય ચોરેલું દિલ તમારું એણે પાછુ સોંપ્યું બધા બંદા ‘અધીર’ જેટલા નેક ના હોય. ~ અધીર અમદાવાદી

અડે છે ...

આખર તારીખોમાં સદા કડકી નડે છે, અને પહેલી તારીખે ઉધારિયા નડે છે. ભાઈ છોકરા છૂટાં પડે કુંભના મેળામાં, પણ પતિ-પત્ની કદી ત્યાં છૂટા પડે છે? ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગતો નથી, ને અનાજ સરકારી ગોદામોમાં સડે છે. વાંસળી, ગિટાર ને ઢોલ પણ બજે છે, છોકરીને અડેલી હવા છોકરાને અડે છે. પછી એની યાદોનું આખું ઝાડ ઉગે છે, જુના પટારામાંથી ખાસ કાગળ જડે છે. એ બોચિયાને તો ફેઈલ કરવો જોઈએ, પેપર સારું જાય તોયે જે ખોટું રડે છે. ભાઈ કીધો ને કંકોત્રી આપી એમણે , ‘અધીર’ પડે છે ત્યારે સઘળું પડે છે !