Posts

Showing posts from June, 2012

આખી રાત

Image
માછલી પાણીમાં તરફડે છે આખી રાત. ને પંખી માળામાં ફડફડે છે આખી રાત. શમણામાં આખી રાત જાગતો બેઠો રહ્યો, યાદો પછી જૂની સળવળે છે આખી રાત. એ હકીકત છે કે સ્વપ્ન, નક્કી નથી થાતું, કાનમાં કોઈના શ્વાસ ફરફરે છે આખી રાત. લગામ ત્યાં કોની કોના હાથમાં હોય છે ? ઇચ્છાઓના ઘોડા હણહણે છે આખી રાત. આજની રાત તારે સુવાનું નથી ‘અધીર’ એક મચ્છર એવું ગણગણે છે આખી રાત. ~ અધીર અમદાવાદી 

ફેસબુક જન તો તેને રે કહીએ .....

ફેસબુક જન તો તેને રે કહીએ જે ટેગ પરાણે મારે રે, ટેગ કરી ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને ટેગે, છોડે ન એ કોઈને રે, પોતાની વોલને ચોખ્ખી રાખે, ધન ધન ગર્લફ્રેન્ડ તેની રે ... ફેસબુક જન સમદ્રષ્ટિ ને સૌને ટેગે, પણ સ્ત્રી જેને ખાસ રે, કોપી કરીને સૌને ટેગે, ગોરધન નવ કાંપે હાથ રે ... ફેસબુક જન મુકુલ છાયા ગાંઠે નહિ એને, ટેગ વૈરાગ્ય નહીં મનમાં રે, બે-ચાર શું કોમેન્ટ રે વાગી, સકળ સ્ટેટસ તેના માનમાં રે ... ફેસબુક જન વણથોભી ને સતત ઠોકી છે, કામ-ધંધો વિસાર્યા રે, પણે અધીરિયો તેનું વર્ણન કરતાં ધૂળનાં ફાકા માર્યા રે ... ફેસબુક જન