Posts

પહેલા વરસાદ સામે વાંધા અરજી

પહેલો વરસાદ આવે ને પછી ગટરો ઉભરાય ને પાછી ગાયો પણ રસ્તા વચ્ચે બેસી જાય. દાળવડાનો પછી નીકળે કચ્ચરઘાણ, અને પહેલા વરસાદમાં મકાઈની લારીઓ ઉભરાય વરસાદ પહેલા આંધી આવે ને ઘરમાં ધૂળ ધૂળ પછી સાંજે લાઈટ પર કેટલી જીવાત ઉભરાય ! ને પહેલા વરસાદની જીવાતની જેમજ ઠેરઠેર કવિઓ ફૂટી નીકળે, ઓરકુટ ફેસબુક છલકાય. સરકારી તંત્ર મોડું મોડું પછી કામે લાગી જાય, મ્યુનીસીપાલીટીના રસ્તાઓમાં જ્યારે ભૂવાકાંડ સર્જાય. 'અધીર' પહેલા વરસાદ પછી બીજો આવશે ને ત્રીજો તમે શાવરમાં જાવ, જોજો. નોકરી હાથથી ના જાય!

IPL-3 ની જાહેરાતો...

સૌ કોઇ આવીને કશુંક ને કશુંક વેચી જાય છે, ’અધીર’થી પછી હાથમાં અજાણે ખણાઇ જાય છે! * ઇમરાન બસમાં ફરે ને ગરમ કોક પણ પીવે એટલે છોકરી એને ગરમ ઇશારા કરી જાય છે! * ગરમીમાં ગરમ ‘અધીર’ અહી પરસેવો લુછે ને, શાહરુખના ઘરમાં પડોશી ડોશી ઠંડી થાય છે! * શર્મનની ઇડિયસીની વાત કાઇક એવી જામી કે એની અક્કલથી ભાઇ ને બાપા પરાસ્ત થાય છે! * ધન્ય છે ભારત દેશ કે જેને આવો વેઈટર મળ્યો, રણબીરની હોશિયારી જોઇ આખો દેશ ઘડાય છે! * આમીરના ગામમાં સ્ટાઇલીશ છોરી હોઇ શકે ‘અધીર’ને ક્યાં કદી ગામડે એવી ભટકાય છે? * એક ચેપલની આંગળી મશહુર હતી ને, બીજી સરજીની, વાત પણ ક્યાં કોઈને સમજાય છે? * અક્ષય ગેમ રમવા બધુ રમડ-ભમડ કરે તો ઠીક, ’અધીર’ એક ભુલ કરે તો નોકરી હાથથી જાય છે! * જાહેરાતોમાં મહિલાઓની ગેરહાજરીથી ઝોલે ચઢી, ’અધીર’, વિચારે કે, માત્ર ભાયડાઓ કેમ દેખાય છે? * ના, સાવ એવું નથી, ‘અધીર’, ક ક કેટરીના આવી અને કેરીનાં નામે ‘આ'મસુત્ર શીખવાડી જાય છે!

લખુ ઝાકળથી પત્ર..

લખુ ઝાકળથી પત્ર અને તમે તડકામાં ખોલો તો? વાત હું મૌનની કરતો હોઉને તમે વચમાં બોલો તો? ખેતરના શેઢે,કુદરતના ખોળે,આપણે બેઉ બેઠા હોઇએ પ્રેમની હું વાતો કરું ને તમે, તુવેરની સીગો ફોલો તો? ઝરમર વરસાદમાં જતા હો તમે બાઇક પર રમરમાટ પાછળ બેઠી હોય કોઈ રમણી, ને જો પકડે ઠોલો તો? સંબંધના પહેલા શ્રાવણમાં એક્મેક્ને ભીંજવવા નીકળ્યા આપણે બેઉ, ને તમે હળવેક્થી રેઇનકોટ ખોલો તો? નાજુક કર તમારા પ્રેમથી ફરતા હોય 'અધીર'ના કેશમાં ને અચાનક એમ ખબર પડે, કે આ તો છે સાવ ટોલો તો? [ઠોલો – ટ્રાફિક પોલિસ માટે વપરાતો અમદાવાદી શબ્દ] [મુળ રચનાના કવિયિત્રી – ‘લજામણી']

તો વરસોના વરસ લાગે

શબ્દોને શોધવા બેસું તો વરસોના વરસ લાગે મૌલિક લખવા બેસુ તો વરસોના વરસ લાગે લગન કર્યા કે ટપોટપ અને આપોઆપ ખરી ગયા વાળ આ,ઉગાડવા બેસું તો વરસોના વરસ લાગે! મારા સદભાગ્ય કે ‘લીફટ’ મળી ગઇ તારે ઘેર જાવા બસની રાહ, જોવા બેસુ તો વરસોના વરસ લાગે! લાંચ આપી ને પતાવી દીધું સરકારી કામ ફટાફટ કાયદેસરનું, કરવા બેસું તો વરસોના વરસ લાગે! તોડીને વધુ એક ગાંઠ મારી દીધી સંબંધોની દોરીમાં ગુંચ જો આ, ઉકેલવા બેસું તો વરસોના વરસ લાગે! [સ્વ. શ્રી મનોજ ખંડેરિયાની ‘તો વરસોના વરસ લાગે...’ ગઝલ પર આધારિત]

સંભાળજે સજનવા...

મોંઘવારીએ પડાવી દીધી છે રાડ સજનવા! હવેથી કવરના બદલે લખજે પોસ્ટ કાર્ડ સજનવા! કલાકો, દિવસો અને અઠવાડિયા સજનવા! તારી પાછળ ભમુ છું વાડજથી ખાડિયા સજનવા! પાછલા આઘાતોની વળી છે કળ માંડ સજનવા! હવે નવી કોઇ મોંકાણ ન તું માંડ સજનવા! સંતરાના કેસરી ફોરાંઓ પડતા હો સજનવા! ને આપણે, બેઉ હાથે, પીતાં હો સજનવા! વિસ્મયી વાદળ ઉડાડે ઘેનનાં ગોટા સજનવા! એનાથી તો સારા ટિયરગેસના ટોટા સજનવા! આપનું વર્ણન કરવા જાઉ હું સાચું સજનવા! એના કરતા દર્પણમાં જોઇ લો ડાચું સજનવા! પુર્વમાં રહે છે માસી, અને દક્ષિણમાં ફાધર સજનવા! મળવું હોય તો મળ આ દિશાચક્રોની બાહર સજનવા! આંખ ખુલ્લેઆમ તમને સોંસરુ જોતી સજનવા! હવે ફરીથી તું પહેરીશ ના આ ધોતી સજનવા! ક્યાં ઉતરવુ ક્યાં જવું ક્યાં નાખવા ધામા સજનવા! આપણને જોઇ ગયા છે તારા સગ્ગા મામા સજનવા! આંખને ઘેરી વળે છે ઘેઘુર અંધાપો સજનવા! લાંબો હાથ કરીને જરા ચશ્મા આપો સજનવા! ચન્દ્રને ચોથે ખુણે બંધાયા ચંદરવા સજનવા! મારે લેવી પડશે ભુગોળની દવા સજનવા! મેં મુક્યુ મસ્તક તમારા સુર્ખ ખોળામાં સજનવા ! લોકો કે’ છે કે પડી ધુળ ધોળામાં સજનવા! હાથ અડતા નીતર્યુ જળ થઇ જશે ડહોળુ સજનવા...

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....

ત્રિકોણના ચોથા ખુણે બેસીને તને ચાહી હતી. તારી કંકોત્રીમાં તોયે કેમ લીલીછમ શાહી હતી? નવી જ અસમંજસમાં ભીંત ફફડી ઉઠી એકાએક આંગળીને અંગુઠા વચ્ચે કોઇએ બીડી ફસાવી હતી! તેતરને કબૂતર આરામથી ચણી રહ્યા હતા, મકબરો હવામાન ખાતાની તો સાવ કોરી આગાહી હતી! મારી ટાઇટેનિક સમી છાતી ચીરીને જોઇ લે જરા હોકાયંત્રમાં ક્યાં કોઇએ લખેલી તબાહી હતી ? ગર્ભિત ઇશારો કરીને આખરી કૂમ્પળ ખરી પડી વાડને કિનારે કોઇ કુંવારી છોકરી નાહી હતી . એના ટેરવાના સ્પર્શથી પથ્થર પતંગિયુ બને છે આ વાત પહેલા પાના પર કોણે છપાવી હતી? ‘અધીર’ ગઝલમાં એટલી ઉંચી વાત કરી ગયા કે બુરજે ખલીફા પરથી કોઇ શેખે છલાંગ લગાવી હતી.

લાગણી નામે

સજાવટ એવી કે અકબંધ દેખાય હોય ત્રુટક-ત્રુટક ને સળંગ દેખાય ભીતર જઇ જુઓ મેઘધનુષ્યની તો ફ્કત એક જ રંગ દેખાય! ** બહારથી રૂપાળા સમ્બન્ધ દેખાય ને ચહેરા પર પણ ઉમંગ દેખાય. ચરૂ ખોલીને જુઓ નજીક્થી તો, લાગણીના નામે ભુજંગ દેખાય! ** રાજા પણ જ્યાંથી રંક દેખાય ચાંદમાં પણ પછી કલંક દેખાય એ હદમાં દાખલ ન થઇશ 'અધીર' જ્યાંથી એનું ઘર બંધ દેખાય !

નકશા- એક મુકતક

ચાંદનીથી પ્રિય એ તડકાઓ શોધુ છું. વંટોળે મિટાવ્યા એ પગલાઓ શોધુ છું. નવું છે એમાં સ્થાન મારૂં જડતું નથી, તકદીરના જુના એ નકશાઓ શોધું છું.

દિવાળી વિક્રમ સંવત 2066નું સ્વાગત

ઇશ્વરના આશિર્વાદ હો ને,ફળે તમારી ઇચ્છા, બીજું શું? 'અધીર’ના હૈયે ને હામે દિવાળીની શુભેચ્છા,બીજું શું! હો રાત કે દિવસ, અજવાળાની કોઇ કમી ન રહે તમને! દોસ્ત મળે સુંદર મજાના,ને દુશ્મન હો અચ્છા,બીજું શું? ને પછી હાથમાં કોઇનો હાથ રહે, મધુરો સંગાથ રહે, પછી એમ બને કે રહે ન બીજી કોઇ ઇચ્છા, બીજું શું! એનો વૈભવતો એના લાગણી ભીના શબ્દોજ છે દોસ્ત! ‘અધીર’ મોકલે તમને શબ્દો તણા ગુચ્છા,બીજું શું? (ખલીલ ધનતેજવીના "બીજું શું?" રદીફ ગમી જતા એનો સાભાર ઉપયોગ કર્યો છે)

ગુજરાત સમાચારની લવ લેટર સ્પર્ધામાં વિજેતા કૃતિ....

Image

જુઓ --0-0--

પેન્ટમાંથી બહાર ડોકાય છે જાંઘિયા જુઓ઼! * મારા શહેરમાં ફેશન કાઢે છે દાંતિયા જુઓ! હતા ઉંચાએ લટકી ગયા નીતિનિયમોમાં, બેશરમીથી ઠેકડા મારે છે વ્હેંતિયા જુઓ! કંઇક અલગ કરવાની એમની ધુન બસ કે લાડુ સાથે એ ખાય છે ગાંઠિયા જુઓ. બેટો ફરે છે બાઇક પર કળિયુગમાં ને ત્યાં બાપ ઘસે છે ટાંટિયા જુઓ! માતાજીની ભક્તિની ન વાત કરો 'અધીર' બીડીના ગીત પર રમે છે ડાંડિયા જુઓ. * http://sachinkraj.files.wordpress.com/2008/03/boys-will-be-boysss-big.jpg 

ઠેસ

માણસો, વસ્તી કે ટોળા વિષે નથી લખવું. કુંવારી માતાના ખોળા વિષે નથી લખવું. એમાં પણ ઠેસ મારવાની વાત આવશે એટલેજ, આજે હિંડોળા વિષે નથી લખવું.

દિવાનગી

દઝાડતી ચાંદની ને ફુલ ડસતા હતા દિવાનગીની વાત છે,કાંટા ગમતા હતા હો એક બે તો વાત માંડીને કરી શકુ, ચહ્રેરાઓ કાંઈક આંખોમાં રમતા હતા!

નવા વરસમાં કાઈંક નવુ કરજો...

તમારા હિસાબે અને જોખમે.... ફાઈલોથી આખુ ઘર ભરજો. ને ઓફિસ જઈ લફરા કરજો! બાઈક ઉપર બેસજો ચાર જણા, પણ પરણવા ચાલતા જજો! રંગ ઉડાડજો ઉતરાયણ પર! ને હોળી પર પતંગ ચગાવજો. ડાર્લિંગ કેહ્જો પડોસણને અને, હિમંતથી બૈરીને કાકી કેહજો! એવુ કરજો જે ક્યારેય કરેલ ન હોય નવા વરસમાં કાઈંક નવુ કરજો. 'અધીર અમદાવાદી' તરફથી દિવાળી અને નવા વરસની શુભેચ્છા!

...ખોઈને આવ્યો છું

દિલમાં શુળ પરોવીને આવ્યો છુ. આંખોને નિચોવીને આવ્યો છુ. અસ્તિત્વ ફીણ-ફીણ થઇ ગયુ મારુ જિગરને એવુ વલોવીને આવ્યો છુ. અંતરને આખુ ધોઇને આવ્યો છુ હમણાંજ હું રોઇને આવ્યો છુ. આ મુલાકાતમાં અમને શુ મળ્યુ? એમને જ જ્યારે ખોઇને આવ્યો છુ. શમણાંઓ તોડીને આવ્યો છુ. થાકી ગયો, દોડીને આવ્યો છુ. હે પ્રભુ! સામો ન મળીશ મને! હમણાંજ હાથ જોડીને આવ્યો છુ.

સત્ય!

આપણા બેઉના સંબંધનુ સત્ય જાણે સહરામાં નદીનું અસ્તિત્વ. મિલનની કલ્પના,જુદાઈનું દુખ એક અશક્ય. એક અકથ્ય.

ખુદાને જ ખબર નહોતી....

ફક્ત આછો વ્હેમ હતો કે, પ્રેમમાં છેતરી જશે'અધીર' દિલમાં જગા ન આપી કે, ઝેર થઇ પ્રસરી જશે 'અધીર' જુદા થવાની એ ઘટના ! તક્દીરનો ખેલ તો નહોતો જ્. ખુદ ખુદાને જ ખબર નહોતી કે, વિરહમાં મરી જશે 'અધીર'!

મળીશુ!

ઉજાગરા રુપે આંખની લાલાશ બની જઇશ તુ, ને ઉંઘ આવશે તો આપણૅ સ્વપ્નમાં મળીશુ!

ઝરમર

આ ઝરમર વરસાદ અને તારો પ્રેમ્, કોરો રહેવા ન દે, પુરો ભીંજવે નહીં.

અમેરિકામાં એક વરસ!

પાણીમાં ઉડે છે, અને હવામાં તરે છે પુછશો ના'અધીર્'અમેરિકામાં શું કરે છે! ચીઝ પીઝ્ઝા ખાય છે,અને કારમાં ફરે છે પગાર થોડો,'ને લાંબા-લાંબા બિલો ભરે છે! ટીશ્યુમાં છીંકે છે,અને કાગળથી લુછે છે. અમેરિકામાં આવાતો કાંઇક ગજબ કરે છે! ખુદ પટાવાળો,ખુદ રામો ને ખુદ ધોબી છે, 'ગેસ સ્ટેશન' પર ખુદ પોતે ગેસ ભરે છે! શું જુએ ગોરી છોરી'ને ભુરી આંખો 'અધીર'? એતો હથેળીની ઘસાયેલ રેખાઓને ઘુરે છે!