Posts

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ સમયે ..

આ આરજેઝ કાલા થાય કોઈ ઝાલોજી ઈન્ફ્લુઅન્સર ઘેલા થાય કોઈ ઝાલોજી કોમેન્ટેટર્સ વદે સડસડાટ કોઈ ઝાલોજી ન્યૂઝ એન્કર્સનો બબડાટ કોઈ ઝાલોજી ટિકિટના કાળાબજાર કોઈ ઝાલોજી ટિકિટ લાયાનો ઘોંઘાટ કોઈ ઝાલોજી પાણી બોટલના ભાવ કોઈ ઝાલોજી પાર્કિંગ માટે  રઝળપાટ કોઈ ઝાલોજી ત્યાં  રનોનો  વરસાદ  કોઈ  ઝાલોજી મુનસીટાપલી ગાળો ખાય કોઈ ઝાલોજી. જોવા યુએસથી આયા ભાય કોઈ ઝાલોજી ‘અધીર’ કે’ ટીવીમાં જોવાય કોઈ ઝાલોજી ~ અધીર અમદાવાદી 

એ તો થાય

તું જો એકવાર કહી દે ને કે: બકા એ તો થાય તો સત્તર પતંગ કપાયાનો ગમ ભૂલી જવાય. ભલેને ઘણી ઉંમરલાયક તેઓ દેખાતી હોય બહેનોને આપણાંથી કદી આંટી ના કે’વાય. ઝાડ પર બેઠેલ વાંદરો એ જાતે નક્કી કરશે, એને ના કહેશો શું ખવાય અને શું ના ખવાય. યોગ્ય હેતુ હોવો જોઈએ કોઈ પણ કામ માટે સિગારેટ સળગાવવા કઈં દિપક ના ગવાય જો તમે પરણેલા હશો તો ઘરમાં પૂરતાં થશે, સમજજો, બહારના ઝઘડા ઘરમાં ના લવાય. ટ્રાફિક પોલીસની એ મહેરબાની છે ‘અધીર’ અમદાવાદ મેગાસિટીમાં રોંગ સાઈડે જવાય. ~ અધીર અમદાવાદી 

ક્યાં ગયા ?

છીંકણીના તણાતાં સડાકાઓ ક્યાં ગયા? કડક ધોતિયાધારી કાકાઓ ક્યાં ગયા? કાપવાની ચપ્પાથી જેની એક મઝા હતી, સાબુના લાંબા-લાંબા લાટાઓ ક્યાં ગયા? લગ્ન પછી મીંદડી બની ગયા છે દોસ્તારો, સિંહ હોવાના એમના ફાંકાઓ ક્યાં ગયા? એક કેળું આપીને ફોટા પડાવે છે દાનવીરો, નામ વિના કરોડો દેનાર દાતાઓ ક્યાં ગયા? ‘અધીર’ જીમમાંથી નીકળતા જુવે કટપીસ, અંદર જે જતા’તા એ તાકાઓ ક્યાં ગયા? અધીર અમદાવાદી  ૧૦-૧૦-૨૦૨૧ 

તમે જોઈ શકો છો .. ફરી એકવાર

શહેરમાં હોર્ડિંગ ઊભા છે, તમે જોઈ શકો છો. ડીવાઈડરે છોડ સુક્કા છે, તમે જોઈ શકો છો. દિવસમાં ચારસોને સાત એ વાયદાઓ કરે છે, નેતાના શબ્દો સસ્તા છે, તમે જોઈ શકો છો. હોય ખીસામાં વજન તો થાય કામ ફટાફટ, રૂપિયા વિના ધક્કા છે, તમે જોઈ શકો છો. કુંડાળાની મધ્યમાં લાગેલાં તીર દેખાય છે? અમે છોડેલાં તુક્કા છે, તમે જોઈ શકો છો. નોબલ, જ્ઞાનપીઠ કેમ ન મળ્યા 'અધીર’ને? ગઝલની આ ગુણવત્તા છે, તમે જોઈ શકો છો. ~ અધીર અમદાવાદી 

એક ચેનલનુંમાં હઝલ

કામમાં કચાશ છે ક્યાંકને ક્યાંક. ભીંતમાં ભીનાશ છે ક્યાંકને ક્યાંક.  રેડ સિગ્નલ છતાં નાસી જાય છે,  ડંડામાં કુમાશ છે ક્યાંકને ક્યાંક.  રાત રાત જાગ્યાની ચાડી ફૂંકે છે,  આંખમાં લાલાશ છે ક્યાંકને ક્યાંક.  ઉલટતપાસમાં જણાવશે તિરાડો,  રેતમાં ખારાશ છે ક્યાંક ને ક્યાંક.  અશ્વ નાસી જાય, તાળું તબેલાને,  તંત્રમાં ઢીલાશ છે ક્યાંક ને ક્યાંક.  સાંભળીને પ્રવચન હસવા લાગ્યા  વાતમાં ડંફાશ છે ક્યાંકને ક્યાંક.  રાત કે અંધારું બધે ક્યાં હોય છે?  દુનિયામાં ઉજાસ છે ક્યાંકને ક્યાંક.

જાગો ગ્રાહક જાગો

છે  ભમ્મરિયા કુવા જેવી આંખો, ઉપરથી ડુબાડવાનો શોખ રાખો. કોઈ દેખાડી જાય ખ્વાબ નકલી, ને જોઈ લો? જાગો ગ્રાહક જાગો. એક બે ક્ષણનો નથી અફસોસ; વીતી ગયો છે જન્મારો આખો. પાછું આપી દો જે જે મારું હતું; તમારું હતું તે તે છો તમે રાખો. એક તૂટે તો એનો શોક કરીએ; ખ્વાબ તો આવે ને જાય લાખો.

મળવા જેવો માણસ ...

Image
 

તમે જોઈ શકો છો

કાકાને ખખડાવે છે કાકી, તમે જોઈ શકો છો. કાને રૂ ભરવાની ચાલાકી, તમે જોઈ શકો છો. કીટલીએ ઉભેલી વ્યક્તિ બહારગામની લાગે છે. ઓર્ડર કરે છે એ ચા આખી, તમે જોઈ શકો છો. દહીંથરું કાગડા સાથે ગયાની બની છે ઘટના, બેકાર થઈ ગયા છે કાઝી, તમે જોઈ શકો છો. માસ્ક વગર ફરે છે ખુલ્લેઆમ આ નગરજનો, મુર્ખાઓની વધતી આબાદી, તમે જોઈ શકો છો. ‘અધીર’નું સર્જન અત્યંત ઉત્કૃષ્ટ છે એ જાણો; આ હઝલમાં એની ઝાંખી, તમે જોઈ શકો છો.

તમે ચોંકી જશો

રહેમાન કે’શે ગા, તમે ચોંકી જશો ‘અધીર’ કે’શે ના, તમે ચોંકી જશો. ગીફ્ટ આપતા રહો તો વાતેવાતે પત્ની કહેશે હા, તમે ચોંકી જશો. ઉપવાસ પર ઉતરશો પછી ખુદ મોદી કહેશે ખા, તમે ચોંકી જશો. કલપ-મેકપ કરી ફરો, નહીં તો, પતિ કે’શે બા, તમે ચોંકી જશો. આ પેલું છે, એમ કહીને મારા બેટા લોકો વેચે છે આ, તમે ચોંકી જશો ~ અધીર અમદાવાદી

તમે નહીં માનો

ધોતિયા પર પહેરાતો હતો કોટ, તમે નહીં માનો. ધીરુભાઈનો છોકરો કરે છે ખોટ, તમે નહીં માનો. ઓફિસનું કામ ને ઘરકામ સાથે ઘેર બેઠા કરું છું; પહેરતા ભૂલી ગયો છું કંઠલંગોટ, તમે નહીં માનો. બેભાન હતો, ભાનમાં આવી ગયો બે મીનીટમાં સુંઘાડી હતી પાંચસોની નોટ, તમે નહીં માનો. વિજ્ઞાન એટલી પ્રગતિ કરશે કે ચકિત થઈ જશો. ક્યારેક છી-ભુયે કરશે રોબોટ, તમે નહીં માનો. સત્કર્મ કરો, મુસીબતમાં આવશે કામ ‘અધીર’; કીડી ઓફર કરશે તમને લોટ, તમે નહીં માનો. ~ અધીર અમદાવાદી  19-09-2020

એ સાહસ છે

શરદ ઋતુમાં રોજ્જે નહાવો તો એ સાહસ છે. ભૂલમાં પંખાની ચાંપ દબાવો તો એ સાહસ છે. શિયાળો અને ઉનાળો બેઉ જ્યાં આકરા હો ત્યાં ઘરમાં આરસ નખાવો તો એ સાહસ છે. મહા મહિનામાં ઠરેલા માટલાનું જુનું પાણી ભરી લોટો તમે માથે ચઢાવો તો એ સાહસ છે. શીતકાલીન પવનો ખાધેલ લોઢાના ઝાંપાને સવારે લીસ્સો ગાલ અડાડો તો એ સાહસ છે. ગરમ-ઠંડાની જાણકારી વગર બાથરૂમમાં નળ જમણી બાજુ ઘુમાવો તો એ સાહસ છે. ~ અધીર અમદાવાદી  

વરસાદી માહોલ અને લગ્નો

Image

પૂરતું છે

નાસ્તામાં જ્યુસ સાથે બ્રેડબટર હોય પૂરતું છે. ભોજનમાં પરાઠાને આલુ-મટર હોય પૂરતું છે. મને એક મૌન નથી માફક આવતું તારું બસ, સવાર સાંજ હલકી ચટરપટર હોય પૂરતું છે. જરૂરી નથી કે જીવનમાં તું સળંગ મળે મને, તારા સહવાસનું એકાદું ચેપ્ટર હોય પૂરતું છે. કોઈ અમંગળ ખબર હો તારા પત્રમાં તો ફક્ત, કાપવા નસ હાથવગું પેપરકટર હોય પૂરતું છે. જુદાઈમાં જુઓ આશિક આવી દુઆ માંગે છે,   વહાવવા આંસુ અલાયદી ગટર હોય પૂરતું છે.   એક તું અને એક હું પૂરતા નથી સફર માટે? બસમાં ડ્રાઈવર હોય ને કંડકટર હોય પૂરતું છે. ને બિમારી પછી છો કોઈ પણ આવે ‘અધીર’ સારવાર કરવા માટે તું ડોક્ટર હોય પૂરતું છે.

તારી આંખો

એન્ટારટીકાનાં બર્ફિલા પવનોમાં   સહરાની ધગધગતી રેત પર આફ્રિકન જંગલી જંગલોમાં    બુર્જે ખલીફાની ટોચ પર ને મુંબઈની પરસેવાનુંમાં લોકલ ટ્રેઈન્સમાં મને યાદ આવે મોરિશિયસનાં આસમાની પાણી જેવી તારી આંખો !!!!

એ તું જ છે ....

એ તું જ છે ... કાચની કાતિલ કરચો કરતાં જે વધારે વાગે છે મને, એ શું છે, એ તને તો ખબર હશે જ ! -- વાતચીતના વાસંતી વાયરા વિરમે પછી યાદ થઈ જે વરસે, એ તું છે, એ તને તો ખબર હશે જ !  -- કાળીચૌદસની કાળી અંધારી રાતે કરું આંખ બંધ ને જે દેખાય એ તું જ છે, એ તને તો ખબર હશે જ. -- શરદપૂનમની રાતે ચાંદની કરતાં પણ જે વધારે દઝાડે છે એ તું જ છે, એ તને તો ખબર હશે જ.