સંભાળજે સજનવા...

મોંઘવારીએ પડાવી દીધી છે રાડ સજનવા!
હવેથી કવરના બદલે લખજે પોસ્ટ કાર્ડ સજનવા!

કલાકો, દિવસો અને અઠવાડિયા સજનવા!
તારી પાછળ ભમુ છું વાડજથી ખાડિયા સજનવા!

પાછલા આઘાતોની વળી છે કળ માંડ સજનવા!
હવે નવી કોઇ મોંકાણ ન તું માંડ સજનવા!

સંતરાના કેસરી ફોરાંઓ પડતા હો સજનવા!
ને આપણે, બેઉ હાથે, પીતાં હો સજનવા!

વિસ્મયી વાદળ ઉડાડે ઘેનનાં ગોટા સજનવા!
એનાથી તો સારા ટિયરગેસના ટોટા સજનવા!

આપનું વર્ણન કરવા જાઉ હું સાચું સજનવા!
એના કરતા દર્પણમાં જોઇ લો ડાચું સજનવા!

પુર્વમાં રહે છે માસી, અને દક્ષિણમાં ફાધર સજનવા!
મળવું હોય તો મળ આ દિશાચક્રોની બાહર સજનવા!

આંખ ખુલ્લેઆમ તમને સોંસરુ જોતી સજનવા!
હવે ફરીથી તું પહેરીશ ના આ ધોતી સજનવા!

ક્યાં ઉતરવુ ક્યાં જવું ક્યાં નાખવા ધામા સજનવા!
આપણને જોઇ ગયા છે તારા સગ્ગા મામા સજનવા!

આંખને ઘેરી વળે છે ઘેઘુર અંધાપો સજનવા!
લાંબો હાથ કરીને જરા ચશ્મા આપો સજનવા!

ચન્દ્રને ચોથે ખુણે બંધાયા ચંદરવા સજનવા!
મારે લેવી પડશે ભુગોળની દવા સજનવા!

મેં મુક્યુ મસ્તક તમારા સુર્ખ ખોળામાં સજનવા !
લોકો કે’ છે કે પડી ધુળ ધોળામાં સજનવા!

હાથ અડતા નીતર્યુ જળ થઇ જશે ડહોળુ સજનવા!
ને પછે એમનું એમ રહી જશે ડાચું પહોળુ સજનવા!

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સજનવા!
અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળથી વીસ સજનવા!

બૂમ પાડીને તેં બોલાવ્યો ને હું આવ્યો સજનવા !
એટલામાં ભડકી આખા ગામની ગાયો સજનવા!

ખાતી નહીં કસમો કે કાળ બહુ આ વસમો છે સજનવા!
મને પણ ખબર છે કે નંબર મારો દસમો છે સજનવા!

[ડૉ. મુકુલ ચોકસીની અદભુત નઝમ પરથી પ્રભાવિત થઇને આ રચના બની છે. જેઁમણે મુકુલભાઇની આ રચના (હવે થી પત્રોના બદલે નક્ષત્રો લખજે સજનવા...) ન વાંચી હોય તેમને મારી આગ્રહ ભરી વિનંતી કે મુળ રચના જરૂર વાંચે.]

Comments

  1. જોરદાર.

    ReplyDelete
  2. ડૉ. મુકુલ ચોકસી જેવી જ રચના છે. મજા આવી.

    બ્લોગ માં about me પણ અફલાતુન છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર