Saturday, February 06, 2010

લખુ ઝાકળથી પત્ર..

લખુ ઝાકળથી પત્ર અને તમે તડકામાં ખોલો તો?
વાત હું મૌનની કરતો હોઉને તમે વચમાં બોલો તો?

ખેતરના શેઢે,કુદરતના ખોળે,આપણે બેઉ બેઠા હોઇએ
પ્રેમની હું વાતો કરું ને તમે, તુવેરની સીગો ફોલો તો?

ઝરમર વરસાદમાં જતા હો તમે બાઇક પર રમરમાટ
પાછળ બેઠી હોય કોઈ રમણી, ને જો પકડે ઠોલો તો?

સંબંધના પહેલા શ્રાવણમાં એક્મેક્ને ભીંજવવા નીકળ્યા
આપણે બેઉ, ને તમે હળવેક્થી રેઇનકોટ ખોલો તો?

નાજુક કર તમારા પ્રેમથી ફરતા હોય 'અધીર'ના કેશમાં
ને અચાનક એમ ખબર પડે, કે આ તો છે સાવ ટોલો તો?


[ઠોલો – ટ્રાફિક પોલિસ માટે વપરાતો અમદાવાદી શબ્દ]
[મુળ રચનાના કવિયિત્રી – ‘લજામણી']

Friday, February 05, 2010

તો વરસોના વરસ લાગે

શબ્દોને શોધવા બેસું તો વરસોના વરસ લાગે
મૌલિક લખવા બેસુ તો વરસોના વરસ લાગે

લગન કર્યા કે ટપોટપ અને આપોઆપ ખરી ગયા
વાળ આ,ઉગાડવા બેસું તો વરસોના વરસ લાગે!

મારા સદભાગ્ય કે ‘લીફટ’ મળી ગઇ તારે ઘેર જાવા
બસની રાહ, જોવા બેસુ તો વરસોના વરસ લાગે!

લાંચ આપી ને પતાવી દીધું સરકારી કામ ફટાફટ
કાયદેસરનું, કરવા બેસું તો વરસોના વરસ લાગે!

તોડીને વધુ એક ગાંઠ મારી દીધી સંબંધોની દોરીમાં
ગુંચ જો આ, ઉકેલવા બેસું તો વરસોના વરસ લાગે!

[સ્વ. શ્રી મનોજ ખંડેરિયાની ‘તો વરસોના વરસ લાગે...’ ગઝલ પર આધારિત]

સંભાળજે સજનવા...

મોંઘવારીએ પડાવી દીધી છે રાડ સજનવા!
હવેથી કવરના બદલે લખજે પોસ્ટ કાર્ડ સજનવા!

કલાકો, દિવસો અને અઠવાડિયા સજનવા!
તારી પાછળ ભમુ છું વાડજથી ખાડિયા સજનવા!

પાછલા આઘાતોની વળી છે કળ માંડ સજનવા!
હવે નવી કોઇ મોંકાણ ન તું માંડ સજનવા!

સંતરાના કેસરી ફોરાંઓ પડતા હો સજનવા!
ને આપણે, બેઉ હાથે, પીતાં હો સજનવા!

વિસ્મયી વાદળ ઉડાડે ઘેનનાં ગોટા સજનવા!
એનાથી તો સારા ટિયરગેસના ટોટા સજનવા!

આપનું વર્ણન કરવા જાઉ હું સાચું સજનવા!
એના કરતા દર્પણમાં જોઇ લો ડાચું સજનવા!

પુર્વમાં રહે છે માસી, અને દક્ષિણમાં ફાધર સજનવા!
મળવું હોય તો મળ આ દિશાચક્રોની બાહર સજનવા!

આંખ ખુલ્લેઆમ તમને સોંસરુ જોતી સજનવા!
હવે ફરીથી તું પહેરીશ ના આ ધોતી સજનવા!

ક્યાં ઉતરવુ ક્યાં જવું ક્યાં નાખવા ધામા સજનવા!
આપણને જોઇ ગયા છે તારા સગ્ગા મામા સજનવા!

આંખને ઘેરી વળે છે ઘેઘુર અંધાપો સજનવા!
લાંબો હાથ કરીને જરા ચશ્મા આપો સજનવા!

ચન્દ્રને ચોથે ખુણે બંધાયા ચંદરવા સજનવા!
મારે લેવી પડશે ભુગોળની દવા સજનવા!

મેં મુક્યુ મસ્તક તમારા સુર્ખ ખોળામાં સજનવા !
લોકો કે’ છે કે પડી ધુળ ધોળામાં સજનવા!

હાથ અડતા નીતર્યુ જળ થઇ જશે ડહોળુ સજનવા!
ને પછે એમનું એમ રહી જશે ડાચું પહોળુ સજનવા!

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સજનવા!
અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળથી વીસ સજનવા!

બૂમ પાડીને તેં બોલાવ્યો ને હું આવ્યો સજનવા !
એટલામાં ભડકી આખા ગામની ગાયો સજનવા!

ખાતી નહીં કસમો કે કાળ બહુ આ વસમો છે સજનવા!
મને પણ ખબર છે કે નંબર મારો દસમો છે સજનવા!

[ડૉ. મુકુલ ચોકસીની અદભુત નઝમ પરથી પ્રભાવિત થઇને આ રચના બની છે. જેઁમણે મુકુલભાઇની આ રચના (હવે થી પત્રોના બદલે નક્ષત્રો લખજે સજનવા...) ન વાંચી હોય તેમને મારી આગ્રહ ભરી વિનંતી કે મુળ રચના જરૂર વાંચે.]

Thursday, January 21, 2010

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....

ત્રિકોણના ચોથા ખુણે બેસીને તને ચાહી હતી.
તારી કંકોત્રીમાં તોયે કેમ લીલીછમ શાહી હતી?

નવી જ અસમંજસમાં ભીંત ફફડી ઉઠી એકાએક
આંગળીને અંગુઠા વચ્ચે કોઇએ બીડી ફસાવી હતી!

તેતરને કબૂતર આરામથી ચણી રહ્યા હતા, મકબરો
હવામાન ખાતાની તો સાવ કોરી આગાહી હતી!

મારી ટાઇટેનિક સમી છાતી ચીરીને જોઇ લે જરા
હોકાયંત્રમાં ક્યાં કોઇએ લખેલી તબાહી હતી ?

ગર્ભિત ઇશારો કરીને આખરી કૂમ્પળ ખરી પડી
વાડને કિનારે કોઇ કુંવારી છોકરી નાહી હતી .

એના ટેરવાના સ્પર્શથી પથ્થર પતંગિયુ બને છે
આ વાત પહેલા પાના પર કોણે છપાવી હતી?

‘અધીર’ ગઝલમાં એટલી ઉંચી વાત કરી ગયા કે
બુરજે ખલીફા પરથી કોઇ શેખે છલાંગ લગાવી હતી.

Saturday, January 16, 2010

લાગણી નામે

સજાવટ એવી કે અકબંધ દેખાય
હોય ત્રુટક-ત્રુટક ને સળંગ દેખાય
ભીતર જઇ જુઓ મેઘધનુષ્યની
તો ફ્કત એક જ રંગ દેખાય!
**
બહારથી રૂપાળા સમ્બન્ધ દેખાય
ને ચહેરા પર પણ ઉમંગ દેખાય.
ચરૂ ખોલીને જુઓ નજીક્થી તો,
લાગણીના નામે ભુજંગ દેખાય!
**
રાજા પણ જ્યાંથી રંક દેખાય
ચાંદમાં પણ પછી કલંક દેખાય
એ હદમાં દાખલ ન થઇશ 'અધીર'
જ્યાંથી એનું ઘર બંધ દેખાય !

નકશા- એક મુકતક

ચાંદનીથી પ્રિય એ તડકાઓ શોધુ છું.
વંટોળે મિટાવ્યા એ પગલાઓ શોધુ છું.
નવું છે એમાં સ્થાન મારૂં જડતું નથી,
તકદીરના જુના એ નકશાઓ શોધું છું.

Wednesday, October 21, 2009

દિવાળી વિક્રમ સંવત 2066નું સ્વાગત

ઇશ્વરના આશિર્વાદ હો ને,ફળે તમારી ઇચ્છા, બીજું શું?
'અધીર’ના હૈયે ને હામે દિવાળીની શુભેચ્છા,બીજું શું!

હો રાત કે દિવસ, અજવાળાની કોઇ કમી ન રહે તમને!
દોસ્ત મળે સુંદર મજાના,ને દુશ્મન હો અચ્છા,બીજું શું?

ને પછી હાથમાં કોઇનો હાથ રહે, મધુરો સંગાથ રહે,
પછી એમ બને કે રહે ન બીજી કોઇ ઇચ્છા, બીજું શું!

એનો વૈભવતો એના લાગણી ભીના શબ્દોજ છે દોસ્ત!
‘અધીર’ મોકલે તમને શબ્દો તણા ગુચ્છા,બીજું શું?


(ખલીલ ધનતેજવીના "બીજું શું?" રદીફ ગમી જતા એનો સાભાર ઉપયોગ કર્યો છે)

Saturday, December 13, 2008

ગુજરાત સમાચારની લવ લેટર સ્પર્ધામાં વિજેતા કૃતિ....

Wednesday, October 01, 2008

જુઓ --0-0--

પેન્ટમાંથી બહાર ડોકાય છે જાંઘિયા જુઓ઼! *
મારા શહેરમાં ફેશન કાઢે છે દાંતિયા જુઓ!



હતા ઉંચાએ લટકી ગયા નીતિનિયમોમાં,
બેશરમીથી ઠેકડા મારે છે વ્હેંતિયા જુઓ!


કંઇક અલગ કરવાની એમની ધુન બસ
કે લાડુ સાથે એ ખાય છે ગાંઠિયા જુઓ.


બેટો ફરે છે બાઇક પર કળિયુગમાં
ને ત્યાં બાપ ઘસે છે ટાંટિયા જુઓ!


માતાજીની ભક્તિની ન વાત કરો 'અધીર'
બીડીના ગીત પર રમે છે ડાંડિયા જુઓ.